
નવી દિલ્હીઃ દિલ્હી-મુંબઇ ઔદ્યોગિક કોરિડોર (ડીએમઆઇસી) હેઠળ ધોલેરામાં બનનારા સૌથી મોટા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીનું નિર્માણ ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ (ડીઆઇસીડીએલ) અને ડીએમઆઇસી દ્વારા સંયુક્ત રૂપથી કરવામાં આવશે. તેના માટે સ્પેશ્યલ પર્પઝ વેહીકલ (એસવીપી)ની સ્થાપના થઇ ગઇ છે.
તેને લઇને ડીઆઇસીડીએલના બોર્ડની પહેલી બેઠક 30 જાન્યુઆરીના રોજ થઇ હતી. તેમાં લાર્સન એન્ડ ટુબ્રોને સડકોનું નિર્માણ અને બીજી સર્વિસ માટે રૂ. 1,734.04 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી. ક્યુબ કંસ્ટ્રક્શન એન્જિનિયરીંગ લિમીટેડને ધોલેરામાં એડમિનિસ્ટ્રેશન એન્ડ બિઝનેસ સેંટર ઓફ ધોલેરા (એબીસીડી)ના નિર્માણ માટે 72.31 કરોડ રૂપિયાનું ટેન્ડર આપવામાં આવ્યુ છે.
ડીએમઆઇસી ટ્રસ્ટના સીઇઓ અલ્કેશ શર્માએ કહ્યું કે એસપીવીએ બે ટેન્ડરની ફાળવણી કરી છે. આ સંબંધમાં આગામી કેટલાક મહિનાઓમાં સિલેક્ટ કરવામાં આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા વિસ્તૃત ડિઝાઇન રજૂ કરવામાં આવશે. માર્ચ 2016ની આસપાસ નિર્માણ કાર્ય શરૂ થવાની આશા છે.