
અમદાવાદ : આજે કેન્દ્રીય બજેટ રજુ કરતા કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદમ્બરમે ધોલેરા સહિત સાત સ્માર્ટ સિટીના ડેવલપમેન્ટ માટે તમામ પ્રકારની નાણાકીય સહાયની ખાતરી આપી છે. પી.ચિદમ્બરમે તેમની બજેટ સ્પિચમાં જણાવ્યું કે,દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર(ડીએમઆઇસી) પ્રોજેક્ટ પૂરઝડપે પ્રગતિમાં છે. સાત સ્માર્ટ સિટી નક્કી કરી દેવાઇ છે અને ખાસ બે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં ગુજરાતના ધોલેરા સ્માર્ટ સીટી અને મહારાષ્ટ્રની સેન્દ્રા બીડકીનની કામગીરી ૨૦૧૩-૧૪માં શરૃ થશે. આ બે સ્માર્ટ સિટી માટે અમને જાપાન સરકાર તરફથી સહયોગની જાણકારી મળી છે. ફંડ બાબતે હું સ્પષ્ટ કરવા માગુ છું કે, જરૃર પડશે તો ભારત સરકાર તરફથી ૨૦૧૩-૧૪ માટે વધારાના ફંડની જોગવાઇ કરવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી. નાણામંત્રીની ખાતરી બાદ ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની ડેવલપમેન્ટની કામગીરીને વેગ મળશે.
ધોલેરાને એસઆઇઆર જાહેર કર્યા બાદ ડિસેમ્બર- ૨૦૧૧ સુધીમાં તેનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ૨૬ હજાર હેક્ટર જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે. આ વિસ્તારનો વ્યાપ ૯૦,૩૭૦ હેક્ટર થયો છે. વિશાળ દરિયાકાંઠે આકાર લેનાર ભવિષ્યના સ્માર્ટ સિટીના નિર્માણ માટે આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી પી.ચિદમ્બરમે કેન્દ્ર સરકાર તરફથી જરૃરી તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.
ધોલેરા ગુજરાતની ભવિષ્યની સ્માર્ટ સિટી તરીકે નિર્માણ પામી રહ્યું છે. અત્યારે રૃ.૨૦૦ કરોડના ડેવલપમેન્ટ સાથે પીપાવાવ પોર્ટ – ધોલેરાનું જોડાણ કરવા એક્સપ્રેસ વે તૈયાર થઇ રહ્યો છે. ધોરેલા સ્માર્ટ સિટીમાં એરપોર્ટ બનાવવામાં આવશે. મેટ્રો રેલ- મલ્ટી ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી અમદાવાદ જેવા શહેરોમાં વધી રહેલું દબાણ ઓછું કરી શકાશે. ધોલેરાને કલ્પસર પ્રોજેક્ટનો પણ લાભ મળશે. આ વિસ્તારમાં જાપાન-કેનેડા સહિત વિશ્વભરના દેશોએ લોજિસ્ટિક, પાવર, વેરહાઉસિંગ, રેસિડેન્સ, ફાર્મા પાર્ક જેવા ક્ષેત્રોમાં રોકાણની તૈયારીઓ કરી છે.
ધોલેરા ગુજરાતનું ટ્રેડ સેન્ટર બને તે માટે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની સાથે સાથે કાર્બન ક્રેડિટ મેળવી આપે તેવા મેન્યુફેક્ચર, પ્રોડક્શન યુનિટ, સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, ટૂરિઝમ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિર્વિસટી, મનોરંજન, એવિએશન, સ્પોર્ટસ સહિતના તમામ ક્ષેત્રોમાં વિકાસ કરાશે. વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૩માં ધોલેરા એસઆઇઆર સ્માર્ટ સીટીમાં વિવિધ જાયન્ટ કંપનીઓએ કરોડો રૃપિયાના રોકાણની ઇચ્છા દર્શાવી હતી.